TEN Days completed of Rs 500 and 1000 currency notes demonetisation



TEN Days completed of Rs 500 and 1000 currency notes demonetisation

કરન્સીનો કાળો કકળાટ – દસ દિવસ પુરા

“ અગ્રદૂત ” મેગેઝીન ---- ઐલેશ શુક્લ

www.agradoot.net

 

એક વિદ્યાર્થીને ચેક થી રકમ ઉપાડવાના હતા. ત્રણ કલાક લાઈન માં ઉભો રહીને તેનો નંબર આવતા કાઉન્ટર ઉપર વિડ્રોલ ચેક લઈને બેંક કર્મચારી સામે આશા ભરી નજરે જોવા લાગ્યો. કર્મચારીએ ધડાકો કર્યો કે ‘આ બ્રાંચ નો ચેક નથી એટલે પૈસા નહિ મળે’ પછી વાદ-વિવાદ, દલીલબાજી ને સુરતી ગાળી ગલોચ ને એવું બધું ....બેંક કર્મચારીનાં મોઢેથી એકજ શબ્દ નીકળ્યા કરે ‘નેક્સ્ટ’....મેનેજરે હાજર થઈ ને કહેવું પડ્યું કે, ‘ભાઈ, હું તને ઓળખું છું કે તું અહીથી જ પૈસા ઉપાડે છે પણ આજના સંજોગોમાં હાલ આ બ્રાંચમાંથી પૈસા નહિ મળે.’

       ભારતની સામાન્ય કે ગરીબ પ્રજાને ધાર્યા કરતાં તકલીફ કે અગવડ વધારે પડી રહી છે. માનસીક ત્રાસમાંથી સતત ને વણથંભ્યું પસાર થવું પડ્યું છે.

       નરેન્દ્ર મોદી આ બધું જાણતા જ હતા અને કદાચ થોડા નરમ દિલના હોય એવું આ વખતે લાગ્યું કારણકે તેમણે રદ કરેલી કરન્સી બદલાવી લેવા પચાસ (૫૦) દિવસનો સમય આપ્યો. બાકી મોરારજી કાકા એ તો એક દિવસ પણ નહતો આપ્યો. કાકાએ જ્યારે હજારની નોટ રદ કરેલી તે સાંજે જ લોકોએ તેની ઉપર નાસ્તો મૂકીને ખાધેલો. જ્યારે આજે લોકો પાસે ચાન્સ છે કે જેના પરસેવાના પૈસા હશે તે પૂરતા સમયમાં બદલાવી શકશે.

            તેમાંથી દસ દિવસ તો પસાર પણ થઇ ગયા. બેંક ના નિવૃત અધિકારીઓ અને તજજ્ઞો કહે છે કે દસેક દિવસમાં બધું રાબેતા મુજબ થઇ જશે ! પણ નથી થયું ! દર બે દિવસે નવા નવા સુધારા-વધારા ને ફેરફારો કરવા પડ્યા છે. નવા નિયમો લાવવા પડ્યા છે. દસમાં દિવસે ‘સીનીયર સીટીઝન’ જ જૂની નોટો બદલાવી શકશે એવા નિયમનો ઘણા વયસ્કોએ લાભ લીધો. એકાદ-બે બેંક ને બાદ કરતા બાકીની બેંકના કર્મચારીઓએ પણ આ નિયમનું કડકપણે પાલન કરીને બધું સમું-સુતરું પાર પાડ્યું.

       જોકે બેંક ઓફ બરોડા, પ્રાઈમ આર્કેડ બ્રાંચ, સુરતમાં તો તે પહેલાના નવ દિવસોમાં પણ વૃધ્ધ કે વિકલાંગોને પ્રાયોરીટી આપીને તેમને તેમના ખાતામાંથી રકમ આપી કે તેમની જૂની રદ થયેલી કરન્સી તેમના ખાતામાં જમા કર્યા. તેના પુરાવારૂપે મેનેજર હરેશ દેસાઈએ તેનું વિડીઓ રેકોર્ડીંગ કરીને જાહેર કર્યું હતું. આનંદની વાત એ કે આ દસ દિવસમાં લાંબી લાઈનમાં ઉભેલા કોઈ યુવાન કે મહિલા દ્વારા આ રીતે વચ્ચે લઇ લેવામાં આવતા વૃધ્ધો કે વિકલાંગો માટે વિરોધ થયો નહિ. બધા ખેલદિલીપૂર્વક તેઓને ટેકો આપી આગળ મોકલતા અને “પાંચ મીનીટમાં શું ખાટું-મોળું થઇ જવાનું છે” કહી વધુ થોડીવાર રાહ જોવામાં પરોવાઈ જતા હતાં.

       આ પરિસ્થિતિમાં પણ કાળાના ધોળા કરવાની રમત તો બે-ત્રણ દિવસમાં જ શરૂ થઇ ગઈ હતી. ૫૦૦/૧૦૦૦ ની જૂની કરન્સી લઇ વીસ/પચ્ચીસ ટકા કમીશન કાપી બાકીનું પેમેન્ટ થોડા દિવસ પછી લઇ જજો એવો ધંધો શરૂ થઇ ગયો હતો. હા...... એમાં પ્રમાણીકતા જોવા મળશે, કારણ કે એ વ્યવહાર એક-બીજાને ઓળખાતા કે એકદમ નજીકના સગા-સંબંધી-મિત્રો હોય તો જ આ વહીવટ થતો.

       પેટ્રોલ પંપો ઉપર આ દિવસો દરમ્યાન ૫૦૦/૧૦૦૦નું જ પેટ્રોલ પુરાવો એવો હઠાગ્રહ રાખવામાં આવ્યો હતો. અરે.... દસ દિવસ દરમ્યાન જ્યારે અમુકને ૫૦૦ કે ૨૦૦૦ ની નવી નક્કોર, કડકડતી અને સત્તાવાર રીતે ચલણમાં પ્રવેશી ચુકેલી નોટ સામે પણ બાકીના છુટા આપવાની ફરજ બતાવી નથી. દેશ જ્યારે વળાંક લઇ રહ્યો છે તેમાં પેટ્રોલપંપ નો સહકાર સાંપડ્યો નથી. એવા પેટ્રોલપંપો ઉપર છેલ્લા દસ દિવસમાં એવા ગ્રાહકો પણ હતા જેઓ ૫૦/૧૦૦ની જૂની ચલણમાં હતી તે કરન્સી આપીને પેટ્રોલ પુરાવતા હતા. તો એ રકમ ક્યા ગઈ. બેંકમાં તો ભરાઈ જ નહિ હશે ! તે ૫૦/૧૦૦ ની કરન્સી તેમના પોતાના ૫૦૦/૧૦૦૦ ની રદ થયેલી નોટો ને કન્વર્ટ કરવા રાખી અથવા બીજાને મદદરૂપ થવા કે કમીશન કમાઈ લેવાના કામમાં આવી.

       પેટ્રોલ પંપે ત્રણ રીતે કમાઈ લીધું. – પેટ્રોલ ના વેચાણ દ્વારા મળતું કમીશન... – રોજની જેમ થોડું થોડું ઓછું પેટ્રોલ આપી એક્સ્ટ્રા નફા દ્વારા... – અને ૫૦/૧૦૦ ની રકમના બદલામાં પોતાના કે મિત્રોના કે ગરજવાન લોકોની રદ થયેલી ૫૦૦/૧૦૦૦ ની કરન્સી કમીશન લઇ બદલી આપી એ નોટો પોતાના બેંક ખાતામાં જમા કરાવામાં આવી.

       મંદિરોની દાન પેટીઓ માં પણ એવું થયું. રોજના ભક્તોની અને ટ્રસ્ટીઓની પોતાની કે તેમના સગાઓની પાંચશો/હજારની ની નોટ બદલામાં પચાસ/સો ની નોટ આપી પેલી નોટ બેંક માં જમા કરાવી દીધી. તેમાં પણ “થોડી રકમ ભગવાનને ભેટ આપવી પડશે” એમ કહી સારી એવી રકમ પડાવી લીધી હશે. ભગવાન તો એ લેવા આવવાના નથી ! એટલે કોના ખિસ્સામાં એ આવક જશે તે બધા જાણે જ છે !

       એવા મંદિરોમાં રોજ કરતાં સરેરાશ સાઈઠ થી સિત્તેર હજાર રૂપિયા કેવી રીતે વધારાના આવ્યા તે નવાઈ પમાડે એવી વાત છે. ભક્તો તો બિચારા દર્શન કરવાનું જ ભૂલી ગયા હતા. આ દસ દિવસ દરમ્યાન લોકો બેન્કની લાઈનમાં જોવા મળ્યા કે પોતાની પાસે પડેલી રદ થયેલી કરન્સી ને પલટાવવામાં પડ્યા હતા. તેથી મંદિરો ખાલીખમ હતાં જેના ફોટો પ્રસિધ્ધ થયા જ છે. વળી વાયરલ થયેલો વન-ટૂ લાઈનર જોક ‘ભગવાન પણ સમજી ગયા હતા કે નોટ બદલાવવી અગત્યની છે, પૈસા વહાલા છે, ભગવાન કે મંદિરે દર્શન માટે પછી પણ જવાશે. ભગવાન નાસી નથી જવાના. આ ૩૦ ડીસેમ્બર વીતી જશે તો ૫૦૦/૧૦૦૦ ની નોટ પસ્તી થઇ જશે’

       એવું જ એસ.ટી. ડેપોમાં કે મ્યુનિસિપાલીટી માં જોવા મળ્યું. પહેલા બે દિવસમાં એસ.ટી ડેપોના કેટલાક કર્મચારી દ્વારા ૫૦૦/૧૦૦૦ ની નોટ લઇ ૫૦/૧૦૦ ની કરન્સી આપવાના ધંધામાં બે-પાંચ ટકાનું કમીશન હતું જે ચોથા-પાંચમા દિવસથી સીધું ૨૫/૩૦ સુધી પહોચી ગયું હતું. લોકોએ પણ કમીશન આપીને નોટ બદલાવી પણ લીધી. જો કે એવા કેટલાક કર્મચારી પકડાયા પણ ખરા એ પ્લસ પોઈન્ટ છે.

       જ્યારે મ્યુનિસીપાલીટીમાં આવા ગોરખધંધા નથી થયા પણ રૂપિયા 1350 નો ટેક્ષ હોય અને તમે જુઓ છો કે ક્લાર્કના ડ્રોઅર માં 150/- રૂપિયા છુટા પડેલા છે છતાં 1500/- જમા લઇ લેવામાં આવ્યા. તેમાં બીજો કોઈ ઈરાદો નહિ પણ “તક મળી છે તો વેરો વસુલી લો. આવો મોકો વારંવાર નહિ આવે.” એવી મેંન્ટાલીટી કામ કરતી હતી. બાકી નાગરીકને તો ભવિષ્યના બીલમાં એટલા ઓછા ભરવાના થશે.

       આજે દસ દિવસ પુરા થયા. હજુ ચાલીશ દિવસ બાકી છે. રોજ નવું નવું કઈક આવતું રહેશે. એટલે અમે લખતા રહીશું ને તમે જરૂર વાંચતા રહેજો.

 

જસ્ટ અ મિનીટ :-

લાઈન માં ઉભા રહીને કાળો કકળાટ કરતા એક ભાઈ ને સમજાવ્યું .........

 

લાઈન તો રહેવાની જ .......

 

કમ્પ્યુટર ને ફોરમેટ કરી રી-ઇન્સ્ટોલ કરતા અઢી-ત્રણ કલાક કે કદાચ વધારે સમય લાગે જ્યારે અહી તો પૂરો દેશ ફોરમેટ થઇ રહ્યો છે........

 

વાયરલ લાઈન :-

Bank Manager की पत्नि ::

उठो देखो मेरे मम्मी पापा आये है..

 

दस दिन का थकेला, गहरी निंदमे लीन Bank Manager :

उनसे कहो एक-एक करके लाईन मे आये।.....

 

© Ailesh Shukla with “ Agradoot ” Magazine and http://www.dhwalin.com/