વાર્તા -> વિશ્વાસ - વાર્તાકાર ઓમગુરુ, અમદાવાદવિશ્વાસ

-- વાર્તાકાર :: ઓમ ગુરુ,  અમદાવાદ

અમદાવાદ જેવા મોટા શહેરમાં બે મોટી ફેકટરીઓ ધરાવતા શેઠ કરસનદાસ શહેરના ખુબ જ પ્રતિષ્ઠિત અને ધનિક વ્યક્તિ તરીકે જાણીતા હતા. શહેરનાં લગભગ બધા જ પ્રતિષ્ઠિત માણસો એમની ખુબ ઈજ્જત કરતા અને ‘શેઠ' તરીકે જ સંબોધન કરતા. અમદાવાદ બહારની કોઇપણ વ્યક્તિ જયારે એમને આટલું માન મળતું દેખે તો એમને તો એવું જ લાગતું કે આ માણસ આખા શહેરનો પ્રધાનમંત્રી છે. પરંતુ શહેરમાં આ ધનિક અને દયાળુ એવા શેઠ કરસનદાસના પ્રખર વિરોધી અને દુશ્મન જેવા મંજુનાથ પણ રહેતા હતા. મંજુનાથ પૈસેટકે એકદમ સુખી અને સમૃદ્ધ હતા. શહેરમાં શરાફીનો વેપાર કરતા મંજુનાથનું નામ શરાફી પેઢીઓમાં મોખરાનું હતું. અમદાવાદના મોટા મોટા ધનિકોને વ્યાજે પૈસા આપવાનું કામ મંજુનાથ જેવા ખમતીધર જ કરી શકે.

મંજુનાથ અને કરસનદાસ વચ્ચે એક સમયે ગાઢ મિત્રતા હતી. શહેરના એક ટ્રસ્ટમાં તે બંને ટ્રસ્ટીઓ હતા. એક વાર ટ્રસ્ટના વહીવટ માટે થયેલી ચડસાચડસીએ તે બંને વચ્ચે કડવાશ પેદા કરી દીધી હતી. એક નજીવા કારણોસર થયેલી બોલાચાલી બાદ બંનેના અહં ટકરાયા હતા એટલે બંને વચ્ચે અબોલા થઈ ગયેલા હતા.

કુદરત ક્યારેય બધાનો સમય એકસરખો રાખતી નથી અને આ જ કુદરતનો ક્રમ છે. એ અનુસાર શેઠ કરસનદાસ પર અચાનક આર્થિક તકલીફ આવી પડી. વિદેશોમાં વેચેલાં તેમના ઉત્પાદનોની ચૂકવણીમાં વિલંબ થવાથી છેલ્લા છ મહિનાથી તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. શેઠ કરસનદાસના સાહસિક સ્વભાવને કારણે તેઓ પોતાની ક્ષમતા કરતાં ચારેક ગણો વેપાર કરતા હતા. પૈસાની આવનજાવન એ કુશળતાથી સંભાળતા હતા. પરંતુ વિદેશના અમુક દેશોમાં વ્યાપેલી આર્થિક મંદીને કારણે ચૂકવણીનું ચક્ર ખોરવાઈ જવાથી પૈસાની ખેંચ ઊભી થયેલી. સમય એવો આવેલો કે ૧૫ દિવસ પછી ફેકટરીના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે જ પૈસા હતા નહીં. કર્મચારીઓની સંખ્યા પણ ઘણી હતી અને કાચા માલના વેપારીઓ પણ ઘણાં હતા, તેને કારણે ચૂકવણીનો આંકડો પણ મોટો હતો. શહેરના નાના શરાફો આ મુસીબતમાં આવડી મોટી રકમનું ધિરાણ કરી શકે તેમ ન હતા.

કરસનદાસની આર્થિક સંકડામણની વાતો મંજુનાથ સુધી પહોંચી ગયેલી હતી. આ વાતથી મંજુનાથને તો મનોમન ખુશી થયેલી. કરસનદાસે તે દિવસે તેમના એકાઉન્ટ વિભાગ સાથે સંતલસ કરી ફેક્ટરીની વર્તમાન સ્થિતિ વિશે સરવૈયું કાઢ્યું. તેમના મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. રકમ મોટી હતી અને આવી વિકટ પરિસ્થિતિનો સામનો પણ પહેલીવારનો હતો. સાંજે ઘેર પહોંચ્યા બાદ ડ્રાઈવરને વહેલી રજા આપી દીધી. રોજની જેમ તેમણે નિત્યક્રમ પતાવ્યો અને હાથમાં એક નાનકડી બ્રીફકેસ લઈને ગાડીમાં બેઠા અને કોઈને કશું જ જણાવ્યા વગર ગાડી લઈને બહાર નીકળ્યા. મનમાં ચાલતી ઉથલપાથલ ફરીથી તેમની ઉપર હાવી થઈ ગઈ.

કેટલાય લાંબા સમય બાદ તેઓ કાંકરિયાની પાળે જઈને બેઠા. પાણીને અડીને આવતી ઠંડી હવા તેમના વિચારોને પણ ઠંડક આપતી હતી. થોડા વરસો પહેલાંનો સમય તેમને યાદ આવ્યો જયારે મહિનાના મોટાભાગના રવિવારની ખુશનુમા સવાર તેઓએ અહીં મંજુનાથ જેવા અમુક મિત્રો સાથે વિતાવી હતી. બીજા કોઈ ન આવે પણ મંજુનાથ અવશ્ય અહીં આવે જ. એ સમયે બંને ધંધાની ઓછી પરંતુ આધ્યાત્મિક અને સામાજિક વાતો વધારે કરતા હતા. થોડે દૂર એક બાંકડા પર ત્રણ સીનીયર સીટીઝન લાગતા મિત્રો ગપાટા મારતા હતા. હાથમાં ચાની પવાલી અને એક એક ચૂસકી સાથે થતી અલકમલકની વાતો જોઈ તેમને પોતાના ધનવાન હોવાના વિશે શંકા થઈ. પૈસા અને ધંધાની દોડાદોડમાં કેટલું બધું જીવન વિસરાઈ ગયું છે તેનો ખ્યાલ આવ્યો. આકાશમાં ખીલેલા ચંદ્રનું પ્રતિબિંબ તળાવના પાણીમાં લહેરાતું હતું તેવી રીતે તળાવની પાળે મુકેલી ઊંચી હેલોજન લાઈટનું પ્રતિબિંબ પણ પાણીમાં લહેરાતું હતું. ટ્રાફિકનો ઘોંઘાટ ન હોવા છતાં કરસનદાસના મનમાં ઊઠેલો ઘોંઘાટ તેમને ચેનથી બેસવા નહોતો દેતો.

જૂના વિચારોને ખંખેરીને કરસનદાસ એકદમ ઊભા થઈ ગયા અને ગાડી સત્યાગ્રહ છાવણીમાં બનેલા વૈભવી બંગલાઓ તરફ હંકારી મૂકી. હંકારેલી ગાડી એક બંગલાના ગેટમાં પ્રવેશી. બંગલાના મોટા ગેટ પાસે મુકેલી ‘મંજુષા’ નામની તકતી પર તેમણે આછી નજર નાખી. તકતી સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ચમકતી હતી. કોઈ મહેમાન આવ્યું જાણીને અંદરથી એક નોકર દોડીને બહાર આવ્યો. કરસનદાસે મંજુનાથ વિશે પૂછ્યું એટલે નોકરે તેમને અંદર આવકારીને સોફા પર બેસવાનું જણાવ્યું અને નામ પૂછ્યું. એ જ સમયે અંદરથી મંજુનાથની પત્ની ઉષા બહાર આવી અને કરસનદાસને જોઇને આશ્ચર્ય પામી ગઈ. ઉષાની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. મંજુનાથ સાથેની મિત્રતાની ઉષા પણ સાક્ષી હતી. કરસનદાસે બેઠા બેઠા જ નમસ્તે કીધું પણ જવાબ આપ્યા વિના જ ઉષા અંદર દોડી ગઈ અને અંદર જઈને મંજુનાથને જણાવ્યું. નોકર રસોડામાં પાણી લેવા ચાલી ગયો અને એ જ અરસામાં મંજુનાથ આશ્ચર્ય સાથે ડ્રોઈંગરૂમમાં આવ્યા.

‘કેડી તમેં...અત્યારે અને આમ અચાનક..?' મંજુનાથ સોફા પરથી ઊભા થઈને એકીટશે પોતાની તરફ જોતા કરસનદાસને પૂછ્યું.

કરસનદાસ ગળગળા થઈ ગયેલા પરંતુ એ કાબેલ માણસે પોતાની જાતને કાબૂમાં રાખી હતી. પરંતુ એ કશું બોલે એ પહેલા જ મંજુનાથે ફરી પૂછ્યું. “કેટલા બધા સમય પછી ?...શું ચાલે છે ?..આપ આનંદમાં તો છો ને ?”

‘હા આનંદમાં તો છું પણ ખરો અને.... નથી પણ...” કરસનદાસનું વાક્ય પૂરું થાય એ પહેલાં એ જ સમયે નોકર ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને ત્યાં આવી પહોંચ્યો. મંજુનાથ અને કરસનદાસની વચમાં જઈને ટ્રે હાથમાં લઈને ઊભો રહી ગયો.

‘કેડીભાઈ બેસો તો ખરા..મને તો હજુ પણ માન્યામાં નથી આવતું કે તમે અમારા ત્યાં પધાર્યા છો.' ઉષા બોલી ઉઠી.

બ્રીફકેસ નીચે મુકીને પાણીનો ગ્લાસ હાથમાં લઈને કરસનદાસ ઉર્ફે કેડી સોફામાં જેવા બેઠા તે જ સમયે મંજુનાથ બોલ્યા. ‘બીજી બધી વાત પછી ઉષા, તું એમને ભાવતી આદુવાળી ચા મુકાવ. ઘણાં બધા સમય પછી સાથે ચા પીશું. ભલે ને આજે ઊંઘ મોડી આવે.’ મંજુનાથ કરસનદાસની બાજુના સીંગલ સોફામાં જઈને બેઠા. કરસનદાસની આર્થિક પરિસ્થિતિથી વાકેફ મંજુનાથ એમની આંખોમાંના પ્રશ્નો ઉકેલવા મથી રહ્યા હતા. કેડી પણ એ પ્રશ્નોની રજૂઆત કરવા માટે કોઈ બીજી વાતનું ઓઠું શોધી રહ્યા હતા.

થોડા મહિનાઓ પહેલા એક જાહેર કાર્યક્રમમાં અનાયાસે ભેગા થયા ત્યારે મંજુનાથની આંખોમાં જે ભાવ હતો તે અત્યારે સાવ ગાયબ હતો તેવું કેડી સ્પષ્ટ જોઈ શકતા હતા. આ કારણસર જ ત્યારે કેડીએ ટૂંકમાં પોતાની આર્થિક જરૂરિયાત વિશેની બાજી મંજુનાથ સામે ખુલ્લી કરી દીધી. શહેરનો દાનવીર કર્ણ ગણાતો કેડી અત્યારે પોતાના દરવાજે મદદ માંગવા આવ્યો છે તે વાત મંજુનાથ માટે અકથ્ય લાગતી હતી. ખબર નહીં કેમ પણ અત્યાર સુધી ત્રાંસી નજરે એકબીજાને દેખનારા બંને નજર મિલાવીને વાત કરતા હતા. બંને વચ્ચે કોઈ દંભ કે અહંનું આવરણ દેખાતું ન હતું. ડાઈનીંગ ટેબલ પાસે ઊભેલી ઉષા પણ આ જોઇને નવાઈ પામતી હતી. ચા પીતાં પીતાં ધીમા અવાજે થયેલી બંનેની વાતો વિશે જાતજાતના તર્ક વિતર્ક કરતી ઉષા થોડી બેચેન પણ હતી. મંજુનાથે કેડીની વાત ધ્યાનથી સાંભળી અને જણાવ્યું કે કાલે તમારે જેટલી રકમની જરૂર હોય એટલી રકમનો ચેક આપની ઓફિસે પહોંચી જશે. થોડીવારમાં જ હાથમાં બ્રીફકેસ લઈને કેડી ઊભા થયા અને મંજુનાથ સામે હાથ મિલાવી બહાર નીકળ્યા. મંજુનાથ ઓટલે ઊભા રહીને કેડીની ગાડી દરવાજાની બહાર નીકળી ત્યાં સુધી ત્યાં તાકી રહ્યા.

વિચારમગ્ન મંજુનાથ ઘરમાં આવીને સોફા પર બેઠા અને તરત જ રસોડામાંથી ઉષા અને રૂમમાંથી તેમનો દીકરો મિલાપ પણ તેમની સામેના સોફા પર બેસી ગયા. બંનેની આંખોમાં ડોકાતા પ્રશ્નો વાંચીને મંજુનાથ સહેજ મલકાયા. મંજુનાથે બંનેને કેડી સાથે થયેલી વાતથી વાકેફ કર્યા. મિલાપે તરત જ કહ્યું કે, “જે માણસે બીજાના ટ્રસ્ટ માટે થઈને આપની સામે આક્ષેપો કર્યા અને ઝઘડો કર્યો તેવા માણસ સામે આવી દરિયાદિલી તો મૂર્ખામી ન કહેવાય? ખરેખર તો તેને ટેકો નહીં કરીને દુનિયા સામે ખુલ્લો પાડવાનો આ ઉચિત સમય હતો.”

મિલાપની વાત સાંભળી મંજુનાથ બોલ્યા, “તું જે ટ્રસ્ટની વાત કરે છે એ બીજાનું હતું એ વાત સાચી છતાં તે ટ્રસ્ટનું નુકસાન ન થાય તે જોવાની તેમની જવાબદારી તેમણે તે સમયે બરાબર નિભાવી હતી. મારો તો તેમાં સ્વાર્થ હતો અને હું મારી મિત્રતાનો ગેરફાયદો લેવા માંગતો હતો. તે સમયે અમારી વચ્ચે થયેલા ટકરાવમાં જો કારણભૂત હોય તો ફક્ત એજ હતું કે મારો પર્સનલ સ્વાર્થ અને તેમનો જવાબદારીભર્યો સંસ્થાકીય સ્વાર્થ. એ સમયે જે થયું એ એક ઉતાવળિયું પગલું હતું અને એમાં એકબીજાના અહમ ટકરાયા હતા. અત્યારે મારી સામે મદદનો હાથ લંબાવનાર મારો કોઈ દુશ્મન નહીં પણ આ શહેરનો મોભી વ્યક્તિ હતો. એમણે આપેલાં દાન પુણ્યથી આજે પણ કેટલાંય લોકોના ઘર ચાલે છે. તેમના કર્મચારીઓનો પગાર ન થાય તો શહેરમાં વર્ષોથી સાચવેલી પોતાની શાખની ધૂળધાણી થઈ જાય એના કરતા હજારો કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય તે વધારે અગત્યનું હતું તેવું તેમની વાતોમાંથી જણાઈ આવતું હતું. આ શહેરના લોકો તેમને ‘ધર્માત્મા’ માને છે જે તેમના સદગુણોને કારણે જ છે. જો આવા માણસ પર મુસીબતોનું આભ તૂટી પડે તો આ શહેરનાં લોકોનો ભગવાન અને સત્કાર્યો પરથી વિશ્વાસ જ ઉઠી જાય અને વર્ષો સુધી એ લોકો આ દાખલો યાદ રાખે કે એક ધર્માત્મા હતો છતાં પણ કુદરતે તેને ના છોડ્યો. બેટા હું એવો કોઈ દાખલો આ શહેરને આપવા માંગતો નથી.”

“પણ પપ્પા આ માણસને આટલી મોટી રકમ આપવામાં જોખમ કેટલું બધું કહેવાય? જો આપણી રકમ પાછી ન આપી શકે તો ?”

“બેટા આટલા વરસ આ ધંધામાં નીકળ્યા છે એ એમનેમ નથી કાઢ્યા? કરસનદાસની આર્થિક હાલત વિશેની જાણકારી મને પહેલેથી જ હતી, પરતું એ દેવાદાર માણસ નથી એટલે એમણે ધિરાણ આપવામાં કોઈ જોખમ નથી. એમની એક ફેકટરીએ આ વરસે ગયા વરસ કરતા ડબલ ઉત્પાદન કરેલું છે તેની પણ મને જાણકારી છે. અને બીજી ખાસ વાત કે ધિરાણની રકમ સામે તે પોતાની એક જમીનના દસ્તાવેજને ગીરવે મુકવા માટે લઈને આવ્યા હતા જેની બજાર કિંમત ધિરાણની રકમ કરતા સાતેક ગણી થાય છે. આવા માણસ ઉપર શંકા કરવી એટલે આભ પર શંકા કરવા બરાબર ગણાય જે ક્યારેય તેની ઊંચાઈથી નીચે નથી પડતું.”

“પપ્પા તમારી વાત સાચી હશે એમાં બેમત ન હોઈ શકે પરંતુ તોય હું તમારી જગ્યાએ હોઉં તો એ દસ્તાવેજ એક ગેરંટી તરીકે તો મારી પાસે રાખી જ લઉં.”

“મિલાપ તારી વાત પણ સાચી જ છે પરંતુ હું કેડીને ઘણાં વરસોથી ઓળખું છું. તેમના શબ્દોથી મોટી કોઈ બાહેંધરી જ ના હોઈ શકે. જમીનના કાગળિયાં રાખ્યા હોત તો આ ક્ષણે આપણાંથી વામણા આ દુનિયામાં બીજા કોઈ ન હોત. યાદ રાખજે આપણો પૈસો જયારે એમને ત્યાંથી પાછો આવશે ત્યારે વધુ પુણ્યશાળી બનીને આવશે અને એ પૈસાથી આપણી સાત પેઢીઓ જાહોજલાલીમાં જીવશે.”

સમય સાથે બન્યું પણ એવું કે શેઠ કરસનદાસના નસીબ આડેથી પાંદડું કુદરતે બહુ ઝડપથી હટાવી દીધું. બે મહિનામાં જ શેઠ કરસનદાસ બે ચેક લઈને મંજુનાથ પાસે પહોંચી ગયા. મુદ્દલની રકમનો ચેક તો મંજુનાથે સ્વીકાર્યો પણ તેની સાથે લાવેલો વ્યાજની રકમનો ચેક ના સ્વીકાર્યો. કરસનદાસે ઘણો આગ્રહ કર્યો પરંતુ મંજુનાથે જણાવ્યું કે, “આ વ્યાજની રકમ સ્વીકારું તો આપ જે વિશ્વાસે મારા આંગણે આવ્યા હતા એ વિશ્વાસને લાંછન લાગે. તમે તમારા કપરા સમયમાં મારા પર જે વિશ્વાસ મુક્યો એ વિશ્વાસ આપણી મિત્રતા પર મુક્યો હતો; નહીં કે મારી આર્થિક ક્ષમતા પર. એ મિત્રતા પણ આ વ્યાજની રકમ લઉં તો લાજી ઉઠે.”

શેઠ કરસનદાસ પણ એ સમયે વિચારી રહ્યા હતા કે આ માણસને મુઠ્ઠી ઊંચેરો ગણવો કે બંને વચ્ચેની મિત્રતાને મુઠ્ઠી ઉંચેરી ગણવી. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા ત્યારે બંનેની આંખોમાં ભેજ હતો. આટલા વર્ષોના અબોલા પછી આ શહેરમાં મિત્રતા અને સખાવતના નવા અધ્યાય લખાવાના હતા એ પણ નક્કી થઈ ગયું હતું. જે નજીવી બાબત માટે તેઓ વચ્ચે અબોલા થયા હતા એ જ બાબતને લઈને શેઠ કરસનદાસે નક્કી કર્યું કે આપવી પડતી વ્યાજની રકમમાંથી જ મંજુષા નામે એક ટ્રસ્ટ ઊભું કરવું.

-- વાર્તાકાર :: ઓમ ગુરુ , અમદાવાદ