“દાંડી કુચ” ને 91 વર્ષ પૂર્ણ થયાં - 12 માર્ચ 1930 – 6 એપ્રિલ 1930



ઈતિહાસ ને પાને થી

ઐલેશ શુકલ.

અત્યારે “દાંડી કુચ” ને 91 વર્ષ પૂર્ણ થયાં. ( 12 માર્ચ 1930 – 6 એપ્રિલ 1930 ) સાથે સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે તેની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે.

દાંડી કૂચની વાત કરીએ તો ગાંધીજી ની સાથે કૂચમાં જનારા 79 યાત્રીઓ ની યાદી મહાદેવભાઈ દેશાઈએ ‘નવજીવન’માં છાપી હતી અને સાથે દરેકનો ટૂંકો પરિચય પણ આપ્યો હતો. આ કુચયાત્રા માં ગુજરાતના 32, મહારાષ્ટ્રના 13, સંયુક્ત પ્રાંતના 7, કચ્છના 6, પંજાબના 3, સિંધના 1, કેરળ ના 4, બંગાળના 1, ઉત્કલના 1, ફીજીના 1, નેપાળના 1, રાજપુતાના ના 3, આંધ્રના 1, કર્ણાટકના 1, મુંબઈના 2, તામીલનાડુના 1, બિહારના 1 રાષ્ટ્રપ્રેમીઓ હતા. તેમાં 2 મુસલમાન, 1 ખ્રિસ્તી અને બાકીના હિન્દુ હતાં. યાત્રીઓમાંથી 12 જણ કોઈને કોઈ યુનિવર્સિટી માંથી સ્નાતક થયા હતા. કુચ દરમ્યાન વચમાંથી 2 જણનો ઉમેરો થયો. તેથી કુલ 81 થયા.

દાંડી કૂચમાં બધાને બાપુ સાથે જવું હતું પણ આખરે 79 ની જ પસંદગી થઈ હતી. તે પણ વીણી વીણી ને પસંદ કરાયાં હતા. દાંડી કૂચની આગલી રાત્રે અંધકારે કબજો લઇ લીધો હતો. છતાં સાબરમતી આશ્રમની બહાર અઢળક માણસો ઉભા હતા. લોકો ઘરે પણ ગયા નહી. પરોઢિયા સુધી લોકો ત્યાં જ બેસી રહ્યાં. રાતે કોઈ ઉંઘ્યું પણ નહી. જો કોઈ ઊંઘી શક્યું હોય અથવા ઊંઘી ગયું હોય તો તે ફક્ત બાપુ હતા.