હરીશ રઘુવંશી - આ ધરતી ઉપર ઝબૂકતો સિતારો હવે અનંત આકાશમાં ચમકશે; અહી રહેશે તેમની યાદો !
- ઐલેશ શુકલ, સુરત. - 9998753239.
સને 1990 માં હું એક અગ્રેસર ગણાતાં સાપ્તાહિકમાં પત્રકાર તરીકે જોડાયો હતો. મારા અહેવાલ છપાય એટલે તેની નકલ લેવાં નાનપુરા, સુરતમાં બુકસ્ટોલ ધરાવતાં મિત્રની દુકાને જતો. ત્યાં મારા પ્રસિદ્ધ થયેલાં અહેવાલની અને અન્ય વિષય પર ચર્ચા કરતાં. એક દિવસ આવી જ કોઈ પળે બાજુમાં ઉભેલાં ભાઈ શાંતિથી, મલકતાં, ધ્યાનથી સાંભળતા હતાં. અમારી દુકાનદાર સાથેની વાતમાં સહેજ અટક્યા એટલે તેમણે મારી સાથે વાતનું સંધાન કર્યું. તે ઘડીથી જ અમારી એવી દોસ્તી થઈ ગઈ કે પૂછો મત ! પછી તો લેન્ડલાઈન ઉપર, મોબાઈલ આવ્યાં પછી તે દ્વારા ગોષ્ઠી, રૂબરૂ મુલાકાત વગેરે રોજનું થઇ ગયું.
તે મિત્ર નું નામ હરીશ રઘુવંશી હતું.
મોટાભાગના ગુજરાતીઓ અને ખાસ કરીને ફિલ્મ જગતની વાતોના શોખીનો તેમને ઓળખે. તેમણે ફિલ્મ સાહિત્ય ક્ષેત્રે સંશોધનાત્મક કામ કર્યું છે. તેઓ હિન્દી કે ગુજરાતી ફિલ્મ વિષે માહિતી ધરાવતાં જીવતાજાગતા જ્ઞાનકોષ કે એન્સાઈક્લોપીડિયા હતાં. તેમાંનો એક એવો ગ્રંથ; જે મહા સંશોધન કરી આપણને આપી ગયાં છે. તે ગ્રંથ એટલે "મુકેશ ગીતકોષ"; જેને કારણે તેઓ અમર થઈ ગયાં. પછી તો તેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મ જગતને લગતાં થોડા વધુ પુસ્તકો પણ આપ્યાં. તે પણ ક્લિક થયાં; બહુ વખણાયા, વંચાયા, શોખીનોમાં માન પામ્યાં. સંગ્રહ કરવાં લાયક કે સંદર્ભગ્રંથ બન્યાં.
એ તમામ પુસ્તકો પાછા એન્સાઈક્લોપીડિયા જ છે. તેને ફિલ્મને લગતો જ્ઞાનકોષ, વિશ્વકોષ કે માહિતી કોશ કહી શકો. ફિલ્મોને લગતું તમારે જે કઈ પણ જાણવું હોય તે તેમાંથી મળી રહે. એ માહિતી પાછી 99.99 ટકા સચોટ, ચોકસાઈથી ભરેલી હોય. 0.01 ટકા એટલા માટે રાખ્યું છે કે ભૂતકાળમાં અન્ય શોધકો કે વાચકોએ તેમની અમુક માહિતી બાબતે કાન આમળ્યા જ છે કે ભૂલ કાઢી છે.
અમારા પ્રાચીન Group ના એક સભ્ય મિત્ર સ્વપ્નેશભાઈ તેમની એક પોસ્ટમાં લખે છે, "હરિશભાઈ રઘુવંશીના નિધન પર તેમની એક સ્મૃતિ યાદ આવે છે. વરસો પહેલા તેમણે 'ગુજરાત મિત્ર' છાપાની મનોરંજન પૂર્તિમાં હિન્દી ચલચિત્રોના નાયક , અભિનેતા અને સંવાદોના બેતાજ બાદશાહ રાજકુમાર અભિનીત ચલચિત્રોની યાદી પ્રકાશિત કરી હતી. તે યાદીમાં બનવાજોગ તેઓ "ગોડ એન્ડ ગન" નામનું હિંદી ચલચિત્રનું નામ લખવાનું ભૂલી ગયા હતા. તેથી "ચર્ચાપત્રો" નામની કટારમાં મેં લખ્યું હતું કે, 'હિંદી ચલચિત્રોની માહિતી રાખવાવાળા વાચકોને માહિતી મળી રહે તે માટે આ "ગોડ એન્ડ ગન" ચલચિત્રનું નામ જણાવું છું.' હરિશભાઈની ભૂલ કાઢવાનો કોઈ ઈરાદો નથી." By the way - "ગોડ એન્ડ ગન" Action/Drama ફિલ્મ સન 1995 માં આવી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે તે જમાનામાં Google ન હતું. છતાં હરીશ રઘુવંશી ફોનથી કે રૂબરૂ જઈ કે કોઈ માધ્યમ દ્વારા તપાસ કરી માહિતી ભેગા કરતાં. જ્યારે કોઈ ભૂલ કાઢે તો સ્વીકાર કરી લઈ નોંધી લેતાં. એટલું જ નહી, જ્યાં આ માહિતી પ્રસિદ્ધ થઈ હોય ત્યાં રૂબરૂ જઈ વિનંતી કરતાં કે, 'આટલી માહિતી ભૂલી જવાઈ છે કે ભૂલથી લખાઈ છે કે રહી ગઈ છે. તેથી સુધારો છાપશો.' અથવા બીજા અઠવાડીએ તેમની જ કોલમમાં તે 'માહિતી' લખી દેતાં. તેમાં તેમને કોઈ નાનમ લાગતી નહી, પણ વાચકો, જાણકારોને સચોટ માહિતી મળે એ જ એમનો એક માત્ર ઉદ્દેશ હતો. ભૂલ શોધી આપનાર કે માહિતી આપનારનો આભાર પણ માનતાં.
હરીશ રઘુવંશી બધું જ કામ બહુ ચોક્સાઈપૂર્વક કરે. ફક્ત પુસ્તકને લગતું જ નહી, વાતચીતમાં, કોઈએ કઈ કામ સોપ્યું હોય તેમાં, વ્યાપારમાં વગેરે વગેરે .... Mobile નો વપરાશ વધ્યો તો તેમાં અમુક એપ્લીકેશન તેઓ વાપરતાં જ નહી. કહે, " મારો સ્વભાવ એવો કે બધું ચોક્કસ જોઈએ. જવાબ આપવા જોઈએ. સમયસર કામ કરવાં જોઈએ. એ બધું મારાથી mobile દ્વારા થાય નહી કે સચવાઈ નહી કે ફાવટ આવે નહી. તેનાં કરતાં એવું કઈ વાપરવું જ નહી; સીધો ફોન જ કરી દેવાનો અથવા રૂબરૂ જઈ કામ પતાવવાનું !
એ સ્વભાવને કારણે જ તેમના પુસ્તકો કે સંગ્રહ સો ટચના સોના જેવા બન્યાં છે. "મુકેશ ગીતકોષ" ની વાત કરીએ તો તેમનું એ પુસ્તક પ્રસિદ્ધ થયું નહી હતું તે પહેલાં 'મુકેશે દસ હજાર કરતાં વધુ ગીતો ગાયાં છે' એવી ગપ કે વાતો બધે ચાલ્યાં કરતી. તેમણે મુકેશે ગાયેલાં તમામ ગીતોનો કુલ સરવાળો (Grand Total) પુસ્તક દ્વારા આપ્યો. તે સંખ્યા બધી ભાષામાં ગાયેલાં ગીતો મળીને પુરા 1100 ગીતોની પણ થતી નહી હતી. હજારની ઉપર થોડા વધુ હતાં. બધાની બોલતી બંધ થઇ ગઈ. સાથે હરીશ રઘુવંશીની ચેલેન્જ હતી કે, "આ સિવાય એક પણ વધુ ગીત હોય તો પડકાર છે." હોય તો કોઈ શોધે ને ! પડકાર કોઈએ ઝીલ્યો નહી.
તે ત્યાં સુધી કે ગાયક મુકેશનો પુત્ર નિતિન મુકેશ પણ ચુપ થઈ ગયેલો. આ પુસ્તક પ્રસિદ્ધ થયું તે પહેલાં નિતિન મુકેશ પણ 'દસ હજાર ગીતોની હા માં હા ભણ્યા કરતો.' હરીશ રઘુવંશી તેને મળવા તેનાં ઘરે ગયેલાં. ત્યારે હજાર જ ગીતોની દલીલ, સમજાવટ, સાબિતી ચાલતી હતી. નિતિન મુકેશે તેમને જવાબ આપ્યા વગર કે ચર્ચામાં ઉતર્યા વગર સારી ભાષામાં વિદાય કર્યા. હરીશ રઘુવંશી કહેતાં, "તેને મારી ઉપર બરાબરની ખીજ ચડી હશે તે જણાઈ આવ્યું હતું; કારણ કે હું ઘરની બહાર નીકળ્યો પછી તેણે બારણું અફડાય એટલી હદે જોરમાં બંધ કરેલું." (કદાચ સાચું શોધી લાવનાર હરીશ રઘુવંશી ઉપરનો ગુસ્સો તેણે બારણાં ઉપર કાઢ્યો હશે)
હરીશ રઘુવંશી ઉપર એક આખું પુસ્તક લખાય એટલી બધી માહિતી, વિગતો, લોકોના તેમનાં વિષેના Interview છે. તેમની એ જીવનકથા પણ રસપ્રદ, વાંચનલાયક બને એવા કિસ્સાઓથી ભરેલી બને એમ છે. જોઈએ; એ પણ પ્રયત્ન કરીશું.
- ઐલેશ શુકલ, સુરત. - 9998753239
• Share •