શેખાદમ આબુવાલા – એક Happily Unmarried ફિરસ્તો – 20 May તેની મૃત્યુતિથિશેખાદમ આબુવાલા – એક Happily Unmarried ફિરસ્તો – 20 May તેની મૃત્યુતિથિ

ઐલેશ શુકલ... સુરત – 9998753239  ( Journalist)

________________________

( આ લેખ કોપીરાઇટ્સ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં કે તેનો અન્ય માધ્યમમાં ઉપયોગ કરવો નહીં. જો આવશ્યક હોય તો પરવાનગી લેવી જરૂરી છે )

www.agradoot.net ના સૌજન્યથી

_________________________

જાણીતા હાસ્ય લેખક વિનોદભાઈ ભટ્ટ જેમને ‘ગ્રેટાદમ’ કહેતાં અને ગુજરાતી કવિ, નવલકથાકાર, પત્રકાર, રેડિયો કલાકાર અને ઉદઘોષક એવી ઘણી બધી પ્રતિભા ધરાવતા પોતે પોતાને ‘એક ભટકતો શાયર’ કહેતાં એવાં ભવ્ય મહામાનવ, ગુજરાતનું ગૌરવ ગણાતાં શેખાદમ આબુવાલાનું 20 મે 1985 ને સોમવારે બપોરે અવસાન થયું હતું. ઘણાં સાહિત્યકારો, લેખકો તેમની હયાતી દરમ્યાન જ ભુલાઈ જતાં હોય છે. પરંતુ શેખાદમ આબુવાલા આજે છત્રીસ વર્ષે પણ લીલોછમ રહી લોકોના દિલ અને દિમાગમાં તાજો માજો વસે છે.

શેખાદમ આબુવાલા નું આખું નામ ‘શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા’ હતું. (જન્મ :: ૧૫ ઓક્ટોબર ૧૯૨૯ – મૃત્યુ ::  ૨૦ મે ૧૯૮૫) પણ તેઓ શેખાદમ ના ઉપનામથી જાણીતા હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ પત્રકાર તરીકે એક સમાચારપત્ર માં કામ કર્યું. ત્યાં જ તેને એક તક મળી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો જવા મળ્યું. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં 'વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ફરી તેઓ ભારત પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. બહુ બધું કામ કર્યું. અંતે આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

કબ્રસ્તાન માં શેખાદમ આબુવાલાને દફનાવીને આવ્યા બાદ વિનોદભાઈ ભટ્ટ ને ત્યાં દસેક મિત્રો શેખાદમના સંભારણા વાગોળવા ભેગા થયેલાં. એ સંદર્ભે પછીથી વિનોદભાઈએ તેમને શ્રધ્ધાંજલિ આપતાં લખેલું કે, “ તે દિવસે અમે પોકે પોકે હસ્યાં” મિત્રોની બાબતે તેઓ કુબેર જેટલાં શ્રીમંત હતાં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી અને શેખાદમ આબુવાલા વચ્ચે પરમ મિત્રતા હતી. તેઓ એકબીજાને કૃષ્ણ અને સુદામાની જોડી કહેતાં. તેમાં શેખાદમ પોતાને સુદામા ગણાવતાં. કારણ; આમેય મિત્રનું નામ ‘માધવ’ હતું. માધવસિંહ સોલંકીએ તો જાહેરમાં કહેલું કે, “મને જો કોઈ તુંકારા થી બોલાવતું હોય તો આ દુનિયામાં તે એકમાત્ર શેખાદમ આબુવાલા છે. ઇન્દિરા ગાંધી પણ મને માન દઈને બોલાવતાં પણ શેખાદમ આબુવાલા ‘તું’ કહીને બોલાવતો. .... અને મને એ વાતનો ગર્વ છે”

તો એક સમયે ભારત દેશના નાણા પ્રધાન રહી ચુકેલા વી.પી.સિંઘ પણ તેમનાં ખાસ મિત્ર હતાં. બન્ને જર્મનીમાં સાથે રહેતા હતા. વી.પી.સિંઘ અમદાવાદ આવે ત્યારે અચૂક શેખાદમને મળવા જતાં. ત્યારે શેખાદમના ઘરે તેઓ નીચે જમીન ઉપર ચટાઈ પર બેસી જતા. બંને ને એ વાતનો સંકોચ કે ક્ષોભ પણ નહિ.

એક વાર રાત્રે કોઈ શ્રીમંતની પત્ની શેખાદમને કારમાં તેનાં ઘરે મુકવા આવી. કારમાંથી આલીશાન બિલ્ડીંગ જોઈ પૂછ્યું, “આવું ભવ્ય મકાન તમારું છે ?” “ના” શેખાદમ બોલ્યા “ એ મારા પાડોશી છે. તે ખુદાની મસ્જિદ છે. અમે પાડોશી છીએ. મારૂ મકાન તો તેની બાજુમાં જે ચોથી દીવાલ તૂટેલી છે તે જર્જરીત મકાન છે તે મારૂ ઘર છે”

આજે શેખાદમ આબુવાલા જીવતાં હોત તો 92 વર્ષના હોત. તો પણ તેઓ 16 વર્ષની ઉંમરે કે 40 વર્ષની ઉંમરે કે મૃત્યુ પામ્યા ત્યારે 56 વર્ષના હતાં જેવાં હતાં તેવાં શાયર, હાજરજવાબી, શાયર, લેખક, મિત્રો માટે જાણ ન્યોછાવર કરી દે એવાં હોત !

શેખાદમ આબુવાલાજી ; તમે હજુ અમારા હૃદયમાં જીવો છો.

_______________________

( આ લેખ કોપીરાઇટ્સ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં કે તેનો અન્ય માધ્યમમાં ઉપયોગ કરવો નહીં. જો આવશ્યક હોય તો પરવાનગી લેવી જરૂરી છે )

www.agradoot.net ના સૌજન્યથી

_________________________