સુરતના ડો. વિનોદ શાહ સાહેબની આ સાથેની તસવીરો અલગ અલગ છે, પણ તેમનું કર્તવ્ય; તેમનો ધર્મ; તેમની ફરજ; આચાર – વિચાર એક જ છે – તબીબી સેવા, સેવા ને સેવા
દર વર્ષે 19 મેના રોજ વિશ્વભરમાં વિશ્વ ફેમિલી ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ફેમિલી ડોક્ટરોની અનન્ય ભૂમિકાને ઉજાગર કરે છે, જેઓ ન માત્ર આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે, પરંતુ પરિવારના એક સભ્યની જેમ દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો બની જાય છે. છેલ્લા ત્રણ દાયકામાં અને વિશેષ કરીને કોરોના પછીથી ફેમિલી ડોક્ટરોની વ્યાખ્યા અને ભૂમિકામાં ઘણો ફેરફાર આવ્યો છે, પરંતુ તેમનું મહત્ત્વ અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન આજે પણ અડગ છે. કેટલાક ડોક્ટરોની વ્યાપારી માનસિકતા, બિનજરૂરી ટેસ્ટ અને મોંઘી સારવારને કારણે લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આવા સમયમાં, ફેમિલી ડોક્ટરો એક એવો વિશ્વાસનો પુલ બનાવે છે, જે લોકોને આ લૂંટફાટથી બચાવે છે.
સ્મશાનમાં જઈને પણ ફેમિલી ફિઝિશિયન સારવાર આપે છે
તેઓ દર્દીઓને સસ્તી, પારદર્શક અને કરુણાપૂર્ણ સારવાર આપીને માનસિક આરોગ્યની સાથે આર્થિક બોજ પણ ઘટાડે છે. જ્યાં આજે કેટલીક જગ્યાએ તબીબી ક્ષેત્ર માત્ર વેપાર બની ગયું હોય એવું લાગે છે, ત્યાં અનેક ઘટના એવી પણ સામે આવી છે જ્યાં ગંભીર કે ન બને તેવી તાકાલિક સારવારમાં આજીવન બચત ઉડી જાય છે. સુરતના એક કિસ્સામાં ચિતા પર આગ રાખતી વખતે જ છાતીમાં દુઃખાવો થતાં ફેમિલિ ફિઝિશિયન ડો. વિનોદ શાહે અશ્વિનીકુમારમાં જઈને સારવાર આપી હતી. આવી લાગણી પ્રોફેશનલ નહીં ફેમિલી ડોકટરને જ હોય છે.
એક સાચો ફેમિલી ડોક્ટર રાત્રે બે વાગે પણ ફોન ઉપાડી દર્દીની ચિંતા સાંભળે
ફેમિલી ફિઝિશિયન ડો.વિનોદ શાહએ જણાવ્યું કે, ફેમિલી ડોક્ટરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દર્દીના પરિવારનો એક અભિન્ન હિસ્સો બની જાય છે. તે દર્દીના શારીરિક સ્વાસ્થ્યની સાથે તેમની માનસિક અને ભાવનાત્મક સ્થિતિને પણ સમજે છે. બાળકની નાની તાવની બીમારીથી લઈને વૃદ્ધોના ક્રોનિક રોગો સુધી, ફેમિલી ડોક્ટર દરેક પરિસ્થિતિમાં સાથે રહે છે. તે દર્દીની આખી ચિકિત્સા ઇતિહાસથી વાકેફ હોય છે, જેના કારણે નિદાન અને સારવાર વધુ સચોટ અને અસરકારક બને છે. એક સાચો ફેમિલી ડોક્ટર એવો હોય છે, જે રાત્રે બે વાગે પણ ફોન ઉપાડે, દર્દીની ચિંતા સાંભળે અને જરૂર પડે તો ઘરે આવીને સારવાર આપે છે.
સરકાર અને આરોગ્ય સંસ્થાઓએ ફેમિલી ડોક્ટરોની ભૂમિકાને મજબૂત કરવા પગલાં લેવા જોઈએ
ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરતના પ્રમુખ ડો.વિનોદરાય પટેલએ જણાવ્યું કે, આજે જ્યારે આરોગ્ય સેવાઓ વધુને વધુ વ્યાપારી બની રહી છે, ત્યારે ફેમિલી ડોક્ટરોનું મહત્ત્વ વધુ વધી રહ્યું છે. તેઓ લોકોને મોંઘી અને જટિલ સારવારથી બચાવીને નિવારક આરોગ્ય અને સમયસર નિદાન પર ધ્યાન આપે છે. સરકાર અને આરોગ્ય સંસ્થાઓએ પણ ફેમિલી ડોક્ટરોની ભૂમિકાને મજબૂત કરવા માટે પગલાં લેવા જોઈએ, જેથી દરેક પરિવારને સસ્તી અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ મળી શકે.
ટ્રેનમાં સારવાર
રાજધાનીમાં જતી વખતે ડો. વિનોદ શાહે કોફી પીવી હતી પરંતુ કહી દેવાયું કે પેન્ટ્રી બંધ થઇ ગઇ છે. ત્યારે એક મહિલાને અચાનક જ છાતીમાં દુખાવો તેમણે દર્દીને પહેલા સીપીઆર આપી. રાજધાનીની ફર્સ્ટ એઇડ કિટમાં ઓક્સિજન હોવાથી તેને તે આપીની તેની ટ્રીટમેન્ટ કરી તેમના સન્માનમાં ટ્રેનના સ્ટાફે પેન્ટ્રી ફરી ખોલી હતી અને તેમને કોફી આપી હતી. એટલું જ નહીં તેમના માટે બટાકાની પૂરી પણ બનાવી હતી.
પ્લેનમાં સારવાર
ડો. વિનોદ શાહ એક વખત વાયા દિલ્હીથી અમેરિકા જઇ રહ્યાં હતાં. ત્યારે પ્લેનમાં એક મહિલાને અચાનક જ ઝાડા શરુ થઇ ગયા હતાં. જેથી પ્લેનમાં એનાઉન્સ થતાં તેમણે તાત્કાલિક ધોરણેએ મહિલાને ઝાડાની દવા સહિતની સારવાર કરી આપી હતી. ત્યાર બાદ એરલાઇને તેમના સન્માનમાં તેમને ઇકોનોમી ક્લાસને બદલે એક્ઝિક્યુટિવ ક્લાસમાં જગ્યા આપીને અમેરિકા સુધી લઇ ગયા હતાં.
દરિયામાં જહાજમાં સારવાર
એક સમયે એવુ બન્યું હતું કે ડો. વિનોદ ફરવા માટે ગોવા ગયા હતાં. તેઓ મુંબઇથી ગોવા બાય ફ્લાઇટ પહોંચ્યા હતા અને ત્યાંથી જહાજમાં તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે મધદરિયે એક મહિલાને ઉલટી શરુ થઇ જતાં ત્યાં જ સારવાર અપાઇ હતી. આ વાત માત્ર એક ડોક્ટરની નથી આવા કિસ્સા અનેક ફેમિલિ ફિઝિશિયનના છે.
આમ 19 મી May નો દિવસ વિશ્વ ફેમિલી ડોક્ટર દિવસ વર્ષનો વિષય-વસ્તુ બને છે. તેને કારણે બદલાતી દુનિયામાં માનસિક સ્થિતિસ્થાપકતા નિર્માણ પામી છે. સમય ઘણો બદલાયો છતાં ફેમિલી ડોક્ટરનું સ્થાન લોકોના હૃદયમાં આજે પણ અડગ છે, અમર છે.
19 May 2025 – Monday
સાભાર - ગુજરાતમિત્ર દૈનિક સમાચાર પત્ર - and Team - Received from Dr. Vinodbhai Shah

• Share •